રીપોર્ટ@ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો, અનેક જિલ્લામાં વંટોળ સાથે ધોધમાર વરસાદ પડ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. આજે બપોર બાદ સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે આવેલા આ વરસાદે જનજીવનને અસર કરી છે. મહેસાણાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ખેડા જિલ્લાના માતરના ગ્રામીણ વિસ્તારો અને ભલાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
વીજળીના કડાકા સાથે થયેલા આ માવઠાથી જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે આણંદના ખંભાત પંથકમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા ઘઉંના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. જોરદાર પવન સાથે વંટોળ ફૂંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

