રીપોર્ટ@ગુજરાત: અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, દિવાળી પર્વની ઉજવણી તેમણે પરિવારજનો સાથે કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી નવમી નવેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવા માટે તૈયાર કરાયેલા ચાર કિલોમીટર લાંબા અદ્યતન ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે. ત્યારબાદ વાડજ ખાતે રામાપીરના ટેકરા ઝૂંપડપટ્ટી પુનઃવસન અંતર્ગત નિર્મિત આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થી પરિવારોને ઘરની ચાવીઓ સોંપશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રાણીપ ખાતે વિશાળ જનમેદની વચ્ચે એક જાહેર સભાને પણ સંબોધન કરશે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગોતા ખાતે વિવિધ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત પણ યોજી હતી.
નૂતન વર્ષના દિવસે એટલે કે 10મી નવેમ્બરે તેઓ થલતેજ સ્થિત પોતાના નિવાસસ્થાને ભાજપના પદાધિકારીઓ, પ્રદેશ નેતાઓ અને કાર્યકરો સાથે સ્નેહમિલન યોજી નવા વર્ષની પરસ્પર શુભેચ્છાઓ પાઠવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજી રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને આંતરિક સુરક્ષાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જેમાં નાર્કોટિક્સ અને નશીલા પદાર્થોની તસ્કરી સામે કડક વલણ દાખવી માત્ર સ્થાનિક પેડલરો સુધી સીમિત ન રહેતાં તેના સમગ્ર આંતરરાજ્ય નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકવા આદેશ આપ્યો હતો.

