રિપોર્ટ@ગુજરાત: પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્ત્વની બેઠક મળી, જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂકને લઈ મંથન

 
ભાજપ

વય મર્યાદાને લઈ કોઈ જડતા ન રાખવા સંગઠન મહા મંત્રીની ટકોર છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્ત્વની બેઠક મળી છે. તેમાં જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂકને લઈ મંથન થઇ રહ્યું છે.તથા મંડળ પ્રમુખોની નિમણુકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે. તેમજ નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે.શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈ બેઠકમાં ચર્ચા થઇ છે. તેમજ નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ સેન્સ માટે જશે. તેમાં 4 અને 5 જાન્યુઆરીના જિલ્લાઓમાં સેન્સ લેવાશે. તથા 5 જાન્યુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

4 અને 5 જાન્યુઆરીના સેન્સ પ્રકિયા બાદ 6 જાન્યુઆરીના કમલમ ખાતે બેઠક મળશે. તથા પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવા જરૂરી છે. તેમજ વય મર્યાદાને લઈ કોઈ જડતા ન રાખવા સંગઠન મહા મંત્રીની ટકોર છે. વાવ થરાદ અને બનાસકાંઠાનાં જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય લેવાશે. શહેર અને જિલ્લાને લક્ષમાં રાખી જાતિગત સમીકરણ પણ લક્ષમાં રખાશે તેમજ 10 જાન્યુઆરી સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં પ્રમુખોની નિમણુક કરાશે.

ગુજરાત ભાજપના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થોડા દિવસ પહેલા પણ બેઠક મળી હતી. જેમાં અનેક ચર્ચાતા મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ કરીને ભાજપના મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી. જેમાં વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો. સક્રિય સભ્ય બાબતે વ્યવહારુ રહેવા માટે સૂચના આપી હતી.