રાજકારણ@ગુજરાત: ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીને લઈને જાહેરાત, 4 ઓક્ટોબરે મતદાન થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે પદાધિકારીઓને કમલમમાં હાજર રહેવાની સૂચના મળતાં જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. 3 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરવાની અને 4 ઓક્ટોબરે ચૂંટણી જાહેર કરી છે. આ જ દિવસે પરિણામ જાહેર થશે એટલે કે ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે જ નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડની સહી સાથે જાહેર થયેલા પત્ર મુજબ આવતી કાલે એટલે કે 3 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાની, ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની તારીખ જાહેર કરાઈ છે.
4 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા યોજાશે. અને તે જ દિવસે મતગણતરી કરી પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે.ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે મંડપ રોપાણ થતાં નવા પ્રદેશ પ્રમુખ મળે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સીઆર પાટીલના સાથે ગુજરાત ભાજપ પ્રદેશની કમાન કોના હાથમાં સોંપાશે તેની ચર્ચાઓ થતી હતી.
આજે કમલમમાં જોવા મળતા સંકેતોથી આજે દશેરાના દિવસે જ કંઈક નવાજૂનીના સંકેત હતા.પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના છેલ્લા મહિનાઓમાં ગુજરાતની મુલાકાત બાદ હવે પ્રદેશ અધ્યક્ષ મુદ્દે ચોગઠાં ગોઠવાઈ ગયા છે. આજે -2 ઓક્ટોબરે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. 4 તારીખે સાંજ સુધીમાં પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થશે.કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે કે નવા અધ્યક્ષ ઓબીસી ચહેરો હશે કે પાટીદાર હશે. સૌરાષ્ટ્રનું નેતૃત્ત્વ હશે કે પછી ઉત્તર ગુજરાતનું નેતૃત્ત્વ મળશે તેના ઉપર હજુ સસ્પેન્સ યથાવત છે.