રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં વધુ એક વિવાદ! સરકારના આ મંત્રીને CM બનાવવાની માંગ ઉઠી

 
રાજકારણ
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા રજૂઆત કરી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 માંથી 25 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે એક સીટ કોંગ્રેસનાં ફાળે જતા ભાજપનાં કાર્યકરોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. તેમજ લોકસભા ચૂંટણી વખતે ભાજપમાં ચાલી રહેલ વિખવાદ પણ અમુક લોકસભા સીટ પર જોવા મળ્યો હતો. ત્યારે પક્ષ વિરોધી કામગીરી કરનાર લોકો સામે પ્રદેશ મોવડી મંડળ ટૂંક જ સમયમાં કાર્યવાહી તેમજ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફાર થવાની શક્યતાઓ છે. ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર ચાલી રહેલ વિખવાદને લઈ પાર્ટીની છબી ખરડાવા પામી છે.

ટૂંક સમયમાં ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફાર થવાની વાત વહેતી થવા પામી છે. ત્યારે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યકક્ષ ભુપતભાઈ એમ. ડાભી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા રજૂઆત કરી હતી.પત્રમાં ભુપતભાઈ એમ. ડાભીએ જણાવ્યું હતું કે, ગત લોકસભા સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ગુજરાતનાં ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજ દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. તો કોળી સમાજની લાગણી અને માંગણી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળીયાને મળે તેવી ગુજરાત રાજ્યનાં કોળી સમાજની માંગ છે.