રિપોર્ટ@ગુજરાત: કરોડોના ખર્ચે બનશે વધુ એક હાઇસ્પીડ કોરિડોર, રાજ્ય સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી

 
કોરિડોર
હાઇ-સ્પીડ કોરિડોર વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની મુસાફરી વધુ ઝડપી બનશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ખાસ કરીને રોડ કનેક્ટિવિટી પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. ગુજરાત સરકાર દ્વારા વડોદરાને કેવડિયામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વધુ સારી રીતે જોડવા માટે હાઇ-સ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 381.86 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ હાઇ-સ્પીડ કોરિડોરના માધ્યમથી પ્રવાસીઓ માટે મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બનશે.

ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં પ્રખ્યાત પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળોને એકબીજા સાથે સરળતાથી જોડવાના ઉદ્દેશ્યથી આ માર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ સ્થાનિક લોકોને પણ મહત્ત્વની પરિવહન સુવિધાઓ પૂરી પાડશે.હાઇ-સ્પીડ કોરિડોર વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની મુસાફરીને વધુ ઝડપી બનાવશે. આ પ્રોજેક્ટ હેઠળ રતનપુર, કેલનપુર અને ડભોઈ-શિનોર ઈન્ટરસેક્શન પર ત્રણ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ન આવે. થુવાવી નજીક એક અંડરપાસ બનાવાશે, જે વાહનચાલકો માટે મુસાફરીને વધુ સરળ અને સલામત બનાવશે.

હાઇ-સ્પીડ કોરિડોર ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓને વધુ અનુકૂળતા મળે તે માટે ડભોઈ, ધરમપુરી અને ફરતી કુઈ જેવા વિસ્તારોમાં એક રિંગ રોડ પણ બનાવવામાં આવશે.ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભૂમિપૂજન સમારોહ દરમિયાન જણાવાયું હતું કે આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમલમાં મુકાશે. તેમનું માનવું છે કે આ કોરિડોર ન માત્ર પર્યટનને વેગ આપશે, પણ સ્થાનિક આર્થિક વિકાસ માટે પણ એક મજબૂત પગથિયું સાબિત થશે.