રીપોર્ટ@ગુજરાત: અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર, ગૃહ વિભાગે જારી કર્યો સત્તાવાર આદેશ

 
પોલીસ કમિશનર
રથયાત્રા જેવા સંવેદનશીલ અને પવિત્ર મહોત્સવને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યના વહીવટી અને પોલીસ બેડામાંથી એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે વરિષ્ઠ આઈપીએસ અધિકારીની પસંદગી કરી દેવામાં આવી છે. સુરત ના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતને હવે અમદાવાદ શહેરની કમાન સોંપવામાં આવી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સચિવાલય, ગાંધીનગર ખાતેથી તારીખ 01/07/2026 ના રોજ આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અન્વયે, વર્ષ 1997 ની બેચના પ્રતિષ્ઠિત IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતને તાત્કાલિક અસરથી સુરતથી બદલી કરીને અમદાવાદના ખાલી પડેલા પોલીસ કમિશનરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઓર્ડર પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર અને જોઈન્ટ સેક્રેટરી કે. કે. પટેલની સહી સાથે જારી કરાયો છે.

અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર જી.એસ. મલિકની ગુજરાતના DGP તરીકે પદોન્નતિ થતાં અમદાવાદ કમિશનરની આ મહત્વપૂર્ણ જગ્યા ખાલી પડી હતી. રથયાત્રા જેવા સંવેદનશીલ અને પવિત્ર મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શાંતિ અને સુરક્ષાના સુચારુ સંચાલન માટે સરકારે એપ્રિલ 2024 થી સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

અનુપમસિંહ ગેહલોત અગાઉ સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ ગુનેગારો સામે કડક આઇટી સેલ અને ટેક્નોલોજીકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે તેમની કામગીરીની પ્રશંસા થતી રહી છે. હવે મેગા સિટી અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા, તહેવારો દરમિયાન ચુસ્ત સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે તેમના બહોળા અનુભવનો લાભ શહેર પોલીસને મળશે.