રીપોર્ટ@ગુજરાત: પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં સાત સ્ટેટ હાઈવે સુધારાના 858 કરોડના પ્રોજેક્ટને મંજુરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં કુલ સાત સ્ટેટ હાઈવેના વિસ્તરણ અને સુધારણા માટે રૂ. 858.39 કરોડના ખર્ચને મંજૂરી મળી છે. આ કામ '12 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' યોજના હેઠળ થશે. સરકાર દ્વારા જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ, ફોરેસ્ટ ક્લિયરન્સ અને સર્વે જેવા પ્રારંભિક કામો સાથે DPR તૈયાર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
પાટણ જિલ્લામાં વિસલવાસણા-પાટણ સ્ટેટ હાઈવે માટે રૂ. 65.40 કરોડ, પાટણ બાયપાસથી ઊંઝા રોડ જંકશન સુધીના માર્ગ માટે રૂ. 99.28 કરોડ અને શિહોરી-પાટણ રોડના પાટણથી વાયડ સુધીના કામ માટે રૂ. 248.71 કરોડનો ખર્ચ થશે. આ માર્ગોમાં મેજર-માઈનોર બ્રિજ, કલ્વર્ટ અને ડ્રેનેજ જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. મહેસાણા જિલ્લામાં ઊંઝાથી વિસલવાસણા સુધીના માર્ગ માટે રૂ. 37 કરોડ મંજૂર થયા છે. બનાસકાંઠામાં શિહોરી-પાટણ રોડના વાયડથી શિહોરી સુધી માટે રૂ. 80 કરોડ, શિહોરી-દિયોદર સ્ટેટ હાઈવે માટે રૂ. 153 કરોડ અને દિયોદર-ભાભર સ્ટેટ હાઈવે માટે રૂ. 175 કરોડની મંજૂરી મળી છે.

