રીપોર્ટ@ગુજરાત: નાયબ મામલતદાર વર્ગ 3 ની નિમણૂંક પહેલા મંજૂરી ફરજિયાત, મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય

 
નિર્ણય
તમામ કલેક્ટર કચેરીઓમાં 5186 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હવે નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યા પર નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના પરામર્શ વગર કોઈપણ કચેરી કે વિભાગમાં આ જગ્યાઓ ભરી શકાશે નહીં.મહેસુલ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર અનુસાર, રાજ્યમાં કલેક્ટર કચેરીઓ અને અન્ય વિભાગોમાં કુલ 5502 નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી, તમામ કલેક્ટર કચેરીઓમાં 5186 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

173 જગ્યાઓ પ્રતિનિયુક્તિ દ્વારા ભરવામાં આવશે, જ્યારે 27 જગ્યાઓ કલેક્ટર કચેરીઓ દ્વારા સીધી ભરવાની રહેશે. 116 નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યાઓ ડેપ્યુટેશન રિઝર્વ તરીકે રાખવામાં આવશે.મહેસૂલ વિભાગના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નાયબ મામલતદારની નિમણૂક પ્રક્રિયામાં સુસંગતતા અને પારદર્શિતા જાળવવાનો છે. આ પરિપત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસાધારણ સંજોગો અથવા તાકીદની સ્થિતિમાં જો નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા તાત્કાલિક ભરવી પડે તો પણ મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો અનિવાર્ય છે.કોઈપણ વિભાગ કે કચેરીમાં નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા ભરવામાં આવે કે રદ કરવામાં આવે, તેની માહિતી પણ મહેસૂલ વિભાગને આપવી ફરજિયાત છે.