રીપોર્ટ@ગુજરાત: અરવિંદ કેજરીવાલે સરકાર પર કર્યા પ્રહાર, 'વિસાવદરમાં હાર્યા એટલે મંત્રીમંડળ બદલી દીધું'
 
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં ખેડૂતો અને 'આપ'ના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેણે સભાસ્થળને ભરચક બનાવી દીધું હતું. આ કાર્યક્રમમાં 'આપ'ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે 'આપ'ના ગુજરાતના નેતાઓ, હોદ્દેદારો અને ધારાસભ્યો પણ મંચ પર હાજર રહ્યા હતા.
'આપ'ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમના સંબોધનની શરૂઆત ઉપસ્થિત સૌને નમસ્કાર કરીને કરી હતી. તેમણે જણાવ્યું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. સરદાર પટેલને ગુજરાત અને ભારતના 'શેર' કહેવાય છે, જેમણે હંમેશા ખેડૂતો માટે લડત આપી હતી. કેજરીવાલે આક્ષેપ કર્યો કે સરદારે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે 100 વર્ષ પછી દેશમાં એવી સરકાર આવશે જે પોતાના હક્ક માટે લડતા ખેડૂતો પર જુલમ કરશે. આજે સરદારની આત્મા ગુજરાતને જોઈ રડતી હશે. તેમણે જેલમાં નાખવામાં આવેલા 85 ખેડૂતોના પરિવારજનોને સમર્થન જાહેર કર્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'આપ' આ તમામ પરિવારની સાથે છે અને ખેડૂતોને તમામ કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે. એમનો એટલો જ વાંક હતો કે તેઓ પોતાના હક્ક માટે લડતા હતા. અમે આજે એ ખેડૂતોના પરિવારને બોલાવ્યા હતા, જેને પોલીસે મળવા જ નથી દીધા. અમે આ તમામ પરિવારની સાથે છીએ અને ખેડૂતોને તમામ કાનૂની મદદ આપીશું.
તેમણે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પર થયેલા કથિત જુલમ, લઘુત્તમ ભાવનો મુદ્દો અને પોલીસ કાર્યવાહીને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 75 વર્ષમાં આટલી ક્રૂર સરકાર જોઈ નથી. તેમણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 'સેટિંગ' હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખેડૂતોને આગામી સમયમાં પરિવર્તન લાવવાનો અનુરોધ કર્યો હતો.થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પર જુલમ કરાયા. આ ભાજપ વાળાને ફક્ત લોકોને જેલમાં મોકલતા જ આવડે છે. 75 વર્ષમાં આટલી ક્રૂર સરકાર નથી જોઈ. ખેડૂતોને લઘુત્તમ ભાવ આપવાની વાત આ ભાજપ સરકારે કરી હતી, પણ થયું શું? આ સરકારની પોલીસે ખેડૂતોના ઘરમાં ઘુસીને પરિવારને માર્યા છે."
હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવતા હતા, ત્યારે આ ખેડૂતોના પરિવારો ઘરમાં રડતા હતા. બીજેપી વાળા એટલા કાયર છે કે હંમેશા પોલીસને આગળ કરે છે. એક વાર પોલીસને હટાવી લો, આ ખેડૂતોએ બીજેપી નેતાઓને ઘરેથી બહાર કાઢીને મારશે. બીજેપી વાળા એટલા કાયર છે કે ટ્રમ્પ રોજ ધમકી આપે છે. જે ટ્રમ્પ કહે, એ બીજેપી વાળા કરે છે. ખેડૂતો પર જોર કરતા બીજેપી વાળા ટ્રમ્પ સામે ઝૂકી જાય છે. આ મંચ પરથી હું બીજેપીને ચીમકી આપું છું કે 37 વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો, આજદિન સુધી કોંગ્રેસનું ગુજરાતમાં શાસન આવ્યું નથી. અહીં એકવાર બીજેપીની સરકાર જશે તો 50 વર્ષ સુધી પાછી નહીં આવે! વિસાવદરમા હાર્યા એટલે મંત્રિમંડળ બદલી દીધું. ભૂપેન્દ્ર પટેલને સીએમમાંથી ડમી સીએમ બનાવી દીધા અને હર્ષ સંઘવી સુપર સીએમ બની ગયા. આ આખા પાટીદાર સમાજનો અપમાન થયું છે.

