રીપોર્ટ@ગુજરાત: અરવિંદ કેજરીવાલના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ, '30 વર્ષથી ભાજપ-કોંગ્રેસ મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે'
ભાજપ અને કોંગ્રેસ પર અનેક આકરા પ્રહારો કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
AAP ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રાજ્યમાં આવીને રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. આ ગુજરાત પ્રવાસમાં તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ જોડાયા છે. લાલપુરમાં આયોજિત વિજય વિશ્વાસ સભામાં ભાજપ અને કોંગ્રેસ પર અનેક આકરા પ્રહારો કર્યા છે.30 વર્ષથી ભાજપ-કોંગ્રેસ મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે. નોંધનીય છે કે, અમરેલીની જનસભામાં કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 30 વર્ષના શાસન દરમિયાન, ભાજપ એકમાત્ર વસ્તુ જે વધારવામાં સફળ રહી છે તે છે ભ્રષ્ટાચારનો દર.
જામનગરના લાલપુરમાં કેજરીવાલે પોતાની સભા ગજાવતા જણાવ્યું હતું કે, "30 વર્ષથી ભાજપ ગુજરાતને લૂંટી રહી છે. તેમણે શાળાઓ બરબાદ કરી દીધી, હોસ્પિટલો બરબાદ કરી દીધી અને આજે રસ્તા બને છે તો બે દિવસમાં તૂટી જાય છે, બ્રિજ બને છે તે પણ તૂટી જાય છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, કોઈપણ વિભાગમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી. સૌરાષ્ટ્રની ધરતી પર હું ભગવાનનો આશીર્વાદ લેવા આવ્યો છું અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, આ વખતે ગુજરાતના લોકોને ભાજપથી મુક્તિ આપો. ભાજપ અને કોંગ્રેસ બંને મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે. આ બધાની સાથે વેપાર-ધંધા ચાલે છે. હકીકત એ છે કે, કોંગ્રેસ ઇચ્છતી જ નથી કે ભાજપ સત્તા પરથી જાય. આજથી 30 વર્ષ પહેલા ગુજરાત દેશનું નંબર વન રાજ્ય હતું. ગુજરાત સુખી-સમૃદ્ધ હતું અને અહીંના લોકો પાસે બધું હતું. પરંતુ 30 વર્ષમાં ભાજપે ગુજરાતને એટલું બરબાદ કરી દીધું કે, ગુજરાત હવે નીચલા પાયાની કક્ષામાં આવે છે.
ભાજપ ફક્ત અમીરોની પાર્ટી છે. દર વર્ષે લાખો કરોડનું બજેટ આવે છે તો આ બધા પૈસા ક્યાં જાય છે? સાચી વાત એ છે કે, આ બધા પૈસા અમીરો પર જ ખર્ચ થાય છે."અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, "હું અહીં કોઈને ગાળો આપવા આવ્યો નથી પરંતુ આજે હું ગુજરાતના ભવિષ્યની વાત કરવા આવ્યો છું. હું ઈચ્છું છું કે આજે જે ચાર વાતો હું કહેવાનો છું તે ચાર વાતો ગામેગામ જઈને લોકોને કહો. 2022 પહેલા પંજાબની હાલત ખરાબ હતી અને ત્યાં કોંગ્રેસ તેમજ ભાજપ અને અકાલી દળના ગઠબંધનની સરકાર ચાલતી હતી. બંનેની પાંચ-પાંચ વર્ષની સરકાર રહેતી હતી અને બંને મળીને પંજાબને લૂંટી રહ્યા હતા. પછી 2022માં પંજાબના લોકોએ આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠક આપી અને છેલ્લા 4 વર્ષથી અમારી સરકાર છે. અને અમે 4 વર્ષમાં પંજાબમાં જે કામ કર્યું છે તે જ કામ અમે ગુજરાતમાં પણ કરી શકીએ છીએ.
વધુમાં કહ્યું કે, "પહેલા પંજાબમાં રાત્રે ખેતરોમાં પાણી આવતું હતું. અહીં ગુજરાતમાં પણ રાત્રે જ ખેતરોમાં વીજળી આવે છે. હવે અમે પંજાબમાં દિવસે 8 કલાક ખેડૂતોને વીજળી આપીએ છીએ. શું ગુજરાતના ખેડૂતોને પણ દિવસે 8 કલાક વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? હવે મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોનો પાક સરકાર ખરીદતી નથી અને જો ખરીદે છે તો મહિનાઓ સુધી ચુકવણી મળતી નથી. પંજાબમાં પણ પહેલા આવું જ હતું, પરંતુ આજે અમારી સરકારમાં ખેડૂત સવારે પાક વેચે છે અને સાંજ સુધી તેના ખાતામાં પૈસા પહોંચી જાય છે. જો ગુજરાતમાં પણ આવી વ્યવસ્થા જોઈએ તો આમ આદમી પાર્ટીને સત્તામાં લાવવી પડશે. ભગવંત માન સાહેબે મુખ્યમંત્રી બન્યા બાદ ખેડૂતોની વીજળી મફત કરી દીધી, આજે કોઈપણ ખેડૂતને સિંચાઈ માટેની વીજળી માટે પૈસા આપવા પડતા નથી. જ્યારે ગુજરાતમાં આજે પણ ખેડૂતોને ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજળીના પૈસા આપવા પડે છે. જો ગુજરાતના ખેડૂતોને ખેતી માટે મફત વીજળી જોઈએ તો તેના માટે તમારે ભાજપને ભગાડવી પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે. પહેલા પંજાબમાં માત્ર 20% ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હતું. આજે 78% ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. અને આ અમે ફક્ત 4 વર્ષમાં કરીને બતાવ્યું છે.
આગળ કહ્યું કે, હું બીજી મહત્વપૂર્ણ વાત કરવા ઈચ્છું છું કે જો તમારા ઘરમાં કોઈ બીમાર થઈ જાય અને તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો ત્યાં સારવાર થતી નથી, ત્યાં મશીનો કામ કરતી નથી, ડોક્ટરો આવતા નથી, નર્સ સાંભળતી નથી, ટેસ્ટ થતા નથી અને સમગ્ર સરકારી હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. આજે અમે પંજાબમાં દરેક પરિવાર માટે 10 લાખનું ઇન્શ્યોરન્સ કરી દીધું છે. જો કોઈને કેટલીય મોટી બીમારી થઈ જાય અને તે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર કરાવે તો પણ 10 લાખ સુધીની સારવાર મફતમાં થઈ જાય છે."

