રિપોર્ટ@ગુજરાત: આજથી એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, જન આરોગ્યના હિતમાં સરકારનો નિર્ણય

 
પનીર
આવા ઉત્પાદનો પોષણની દૃષ્ટિએ નિરુપયોગી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકારે જાહેર આરોગ્ય અને ગ્રાહક સુરક્ષાના હિતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સ્ટોરેજ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ લાદ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પંશેરિયાએ જણાવ્યું કે છેલ્લા ચાર મહિનાથી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવેલી તપાસ અને લેબ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે બજારમાં ઘણી જગ્યાએ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય બિન-દૂધ આધારિત ઘટકોથી બનેલા ઉત્પાદનોને અસલી પનીર તરીકે વેચવામાં આવી રહ્યા છે. આવા ઉત્પાદનો પોષણની દૃષ્ટિએ નિરુપયોગી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,એનાલોગ પનીર ખાવા લાયક પણ નથી અને પોષક પણ નથી. તેથી આજથી ગુજરાતમાં તેના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એફએસએસઆઇ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.ગુજરાત દૂધ ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય છે. લાખો ખેડૂતો દૂધ અને ડેરી ઉત્પાદનો પર નિર્ભર છે. અસલી પનીરની જગ્યાએ કૃત્રિમ ઉત્પાદનો વેચાતા હોવાથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને નુકસાન થઈ રહ્યું હતું. મહારાષ્ટ્ર અને છત્તીસગઢ પછી ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું છે જેણે આવા ઉત્પાદનો પર પ્રતિબંધ લાદ્યો છે.