રિપોર્ટ@ગુજરાત: બનાસકાંઠા જિલ્લાનું થશે વિભાજન, રાજ્યને મળશે વધુ એક જિલ્લો, કેબિનેટમાં ચર્ચા

 
નિર્ણય
સાંજ સુધી નવા જિલ્લાના નામને લઇને સત્તાવાર જાહેરાત થઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળવા જઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જલ્દી જ થાય તેવું સૂત્રો તરફથી સામે આવ્યું છે. કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આની આખરી જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએ થશે. સાંજ સુધી નવા જિલ્લાના નામને લઇને સત્તાવાર જાહેરાત થઇ શકે છેગત વર્ષથી જ બનાસકાંઠા સહિતના ત્રણ જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં વિચારણા શરૂ થઇ હતી.

નવા 3 જિલ્લાની જો રચના થાય છે તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે. મુખ્યમંત્રી કક્ષાએ તેની આખરી જાહેરાત કરવામાં આવશે. નવા જિલ્લામાં પાટણ જિલ્લાના કોઈ પણ ભાગનો સમાવેશ કરવામાં આવશે નહીં. આજે સાંજ સુધીમાં નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે.

નવા જિલ્લાના વડુ મથક અને નામ પણ સાંજ સુધીમાં જાહેર કરાશે. રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ થઇ છે. વધતી જતી વસતી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે. ચાલતી ચર્ચા મુજબ બનાસકાંઠા ઉપરાંત કચ્છ અને પાટણ જિલ્લામાંથી બે નવા જિલ્લાની રચના કરાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.