રિપોર્ટ@ગુજરાત: બાબાસાહેબ આંબેડકર વિવાદ મુદ્દે ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, 'કોંગ્રેસે તો ભારતરત્ન પણ ના આપ્યો'

 
ભુપેન્દ્ર પટેલ

કોંગ્રેસ માત્ર એક પરિવારનો જયજયકાર કરવામાં રચીપચી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડો.બાબા સાહેબ આંબેડકર પર નિવેદનને લઇને વિવાદ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસે હંમેશા ડો.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી મજાક ઉડાડી છે. આ બાબતે કોંગ્રેસે દેશની બિન શરતી માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમગ્ર દેશમાં ભાજપ સામે પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે. કોંગ્રેસ આંબેડકર માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે.

કોંગ્રેસે આંબેડકરને કાયદામંત્રીમાંથી રાજીનામુ આપવા કોંગ્રેસે જ મજબૂર કર્યા હતા. કોંગ્રેસે આંબેડકરને ભારત રત્ન પણ ના આપ્યો. મોદી સરકારે લંડનમાં બાબા સાહેબનું સ્મૃતિ સ્મારક બનાવ્યું.કોંગ્રેસ અમિત શાહની સ્પીચનો કોઈ આધાર લીધા વિના રાજનીતિ મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે આંબેડકરને હરાવવાનું કામ કર્યું. આંબેડકરને ચૂંટણીમાં હરાવનારને કોંગ્રેસે 1970માં પદ્મવિભુષણથી સન્માનીત કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસનો આંબેડકર વિરોધી ચહેરો ભાજપ લોકો સામે મુકશે. કોંગ્રેસ માત્ર એક પરિવારનો જયજયકાર કરવામાં રચીપચી રહી છે. તેઓએ આ નાટક બંધ કરી દેવું જોઈએ.