રિપોર્ટ@ગુજરાત: ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા કર્યા મંજૂર

 
ભુપેન્દ્ર પટેલ

રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં સાંકડા પુલ - સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ નિર્ણયથી રાજ્યના 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સના વાઇડનીંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે. ગુજરાતમાં ઘણા રોડ-રસ્તા સાંકડા જેને લઈને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયથી આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે. માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે.

રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુસર આ 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે. મુખ્યમંત્રીના આ જન હિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં વધુ સુવિધાજનક નેટવર્ક નાગરિકોને ઉપલબ્ધ થશે અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.