રિપોર્ટ@ગુજરાત: સરકારની જૂની પેંશન યોજના અંગે મોટી જાહેરાત, જાણો વિગતવાર

 
ભુપેન્દ્ર પટેલ
નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકારે ઓલ્ડ પેંશન સ્કીમ (OPS) અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા નોકરીએ લાગેલા તમામ કમર્ચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવશે. સરકારના નાણાં વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કરી દીધો છે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના અધિકારી અને કર્મચારી તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા.01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તા.01/04/2005 પછીની હોય તેઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો.

જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.