રિપોર્ટ@ગુજરાત: શિક્ષણ બોર્ડની નવી માર્કશીટની ગુણવત્તાને લઈને મોટો વિવાદ, સંચાલક મંડળે 'હલકી કક્ષાની ગણાવી

 
શિક્ષણ
શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી રહેલી નવી માર્કશીટની ગુણવત્તાને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે બોર્ડ દ્વારા આપવામાં આવેલી નવી માર્કશીટ અને સર્ટિફિકેટના કાગળની ગુણવત્તા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. મંડળે આ નવી માર્કશીટને 'હલકી કક્ષાની' અને 'કચરો' ગણાવીને શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

માર્કશીટ અને પ્રમાણપત્રો જેવા અગત્યના દસ્તાવેજો વિદ્યાર્થીઓ માટે આજીવન સાચવવાના હોય છે, ત્યારે તેની ગુણવત્તા સાથે કરવામાં આવેલા આ પ્રકારના સમાધાનથી શૈક્ષણિક આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આ ગંભીર મુદ્દે ગુજરાત રાજ્ય શાળા સંચાલક સમિતિના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, 'ધોરણ 10 અને 12ની માર્કશીટ અને સર્ટિફિકેટમાં હલકી ગુણવત્તાનો કાગળ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી અમે શિક્ષણ વિભાગના સચિવને લેખિતમાં રજુઆત કરી છે.

વધુમાં ઉમેર્યું કે, માર્કશીટ જેવા ડોક્યુમેન્ટ લાઈફ ટાઈમ સુધી રાખવાના હોય છે. તેની જાળવણી થાય તે માટે સારી ગુણવત્તાનો કાગળ ઉપયોગ કરવો જોઈએ. જેમાં પહેલા જે કાગળ ઉપયોગ થતો હતો તે જ કાગળનો ઉપયોગ નવી માર્કશીટમાં થવો જોઈએ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માર્કશીટની ગુણવત્તાને લઈને વધુ ફરિયાદો મળી છે. આથી સરકાર સારા કાગળનો ઉપયોગ કરી તેવી રજુઆત કરી છે.