રિપોર્ટ@ગુજરાત: પાલિકા-પંચાયતોની ચૂંટણીને લઇને મોટા સમાચાર, ફેબ્રુઆરીમાં આ તારીખે યોજાઈ શકે

 
ચૂંટણી

વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીએ શરૂ થવા જઇ રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામોની આવવાની શક્યતાઓ છે. માહિતી પ્રમાણે, પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતાં સપ્તાહે જાહેર થઇ શકે છે.

બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે. આ માટે મતદાન 13 કે 14 ફેબ્રુઆરીએ અને 16 ફેબ્રુઆરીએ મતગણતરી થઇ શકે છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીએ શરૂ થવા જઇ રહ્યું છે, તે પહેલાં આ ચૂંટણી પ્રક્રિયા આટોપી લેવાય તેવી શક્યતા છે. આ માટેનું જાહેરનામું જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં બહાર પડવાનું હોવાથી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધીમાં ઉમેદવારોને પ્રચાર માટે માંડ દસેક દિવસનો સમય મળશે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી. તે પછી નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વીત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણીઓ ટળતા વહીવટદાર શાસન લદાયું હતું.

ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે. આ અગાઉ બીજી જાન્યુઆરીએ પંચે ચૂંટણીઓ હેઠળ જનારી બેઠકોની યાદી બહાર પાડી હતી. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે.