રિપોર્ટ@ગુજરાત: શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર, સરકારી ઉ.માધ્યમિક શાળાઓમાં 1608 જગ્યા પર ભરતી જાહેર
1608 જેટલી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી ખાલી જગ્યા પર ભતી જાહેર કરી છે જ્યારે બિન સરકારી અનુદાનિત ઉ.માધ્યમિક શાળામાં 2484 જગ્યા પર ભરતી જાહેર કરી છે.રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલી 1608 જેટલી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TATTHS)-૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
આ માટે વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)- ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમેર અરજી કરવાની છેલ્લી તારીખે ૩૯ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહિ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. મળતી માહિતી મુજબ જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gsero.In/વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઈટ પર મુકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.