રિપોર્ટ@ગુજરાત: રક્ષાબંધન પર મુસાફરોને મોટી રાહત, 6500 એક્સ્ટ્રા બસ ટ્રીપ દોડાવાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં 26થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં અંદાજે 6,500 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે. રક્ષાબંધનનાતહેવાર દરમિયાન બહેનો અને પરિવારજનો મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે. મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા નિયમિત બસ સેવાઓ ઉપરાંત વિવિધ રૂટ પર વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.
GSRTC દ્વારા અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર અને નડિયાદ સહિતના શહેરો ઉપરાંત પાવાગઢ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ જેવા પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર પણ વધારાની બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.વધારાની બસો ઉપલબ્ધ કરાવીને મુસાફરોના ધસારાને પહોંચી વળવા GSRTC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન બહેનો અને પરિવારજનો કોઈપણ પ્રકારની અગવડ વિના મુસાફરી કરી શકે તે હેતુથી GSRTC દ્વારા આ વિશેષ પરિવહન સેવા શરૂ કરવામાં આવશે.

