રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, જાણો શું છે સમગ્ર મામલો

 
સીએમ પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

રાજ્યમાં ભરતી અને નોકરીની માગ સાથે યુવાનો દ્વારા અવારનવાર આંદોલન થતા રહે છે. પરંતુ હવે તો રાજકીય નેતાઓએ પણ ભરતીની માગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પણ ફક્ત વિપક્ષના જ નેતાઓ નહીં ભાજપના નેતાઓ પણ તેમા શામેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મળીને કુલ 38 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખ્યા છે.

 

જેમાં ખાસ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવા અને કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા નાબૂદ કરવા સત્તા પક્ષ અને વિપક્ષ એક થયા છે. અગાઉ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં મેરીટના મુદ્દે એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલ્યું હતું. જેમાં સરકાર સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષાના ઉમેદવારો દ્વારા રૂબરૂ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું.   પરંતુ આ આંદોલનને આગળ વધારતા અને ન્યાયની માંગ સાથે ઉમેદવારોએ રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાનું અભિયાન ચલાવ્યું. જેથી આ તમામ ધારાસભ્યો અને સાંસદોએ ઉમેદવારોના પક્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લેખિતમાં રજૂઆત કરી છે.

 

ભાજપના સાંસદ સભ્ય જશુભાઇ રાઠવા અને શોભનાબેન બારૈયા, ધારાસભ્ય પ્રદ્યુમાનસિંહ જાડેજા, કંચનબેન રાદડિયા, કરશન સોલંકી, કલ્પેશ પરમાર, મુકેશ પટેલ, સેજલ પંડયા, જે.વી કાકડિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જ્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ડો તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ લેખિતમાં રજૂઆત કરી છે. તો બીજી તરફ AAPના ધારાસભ્ય હેમંત ખવા, ચૈતર વસાવાઆ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રજૂઆતમાં એક વાતનો ઉલ્લેખ ખાસ કારાયો છે કે, રાજ્યના ઘણાં વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા છેલ્લે લેવાયેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા આપી હતી.

 

જે પરિક્ષા CRBT પદ્ધતિથી લેવામાં આવેલ હતી જેમાં ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. ઉમેદવારોની રજૂઆત છે કે CRBT પદ્ધતિથી લેવાયેલી પરીક્ષામાં નોર્મલાઈઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જેથી આ ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે. અને PDF ફોર્મેટમાં તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા આવે તેવી માગ કરાઈ છે.