રિપોર્ટ@ગુજરાત: ભાજપના ધારાસભ્યો દોડતાં થયા, પીએમ મોદીએ માંગ્યો રિપોર્ટ, જાણો શું કહ્યું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનનું સૂરસૂરિયું થઈ ગયું છે. આ વખતે ધારાસભ્ય, સાંસદ સહિત ભાજપના પ્રદેશ નેતાઓ પણ ટાર્ગેટ સુધી પહોંચી શક્યા નથી. અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણી કામગીરી એકદમ નબળી રહી છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિપોર્ટ માંગતા ગુજરાત પ્રદેશ ભાજપમાં દોડધામ મચી ગઈ છે. સભ્ય નોંધણી ઝુંબેશને વેગવાન બનાવવા ભાજપે નવરાત્રિમાં સ્નેહમિલન બોલાવવા મજબૂર થવું પડયું હતું.
કમલમમાં મળેલી બેઠકમાં એવું નક્કી કરાયુ હતું કે, નવરાત્રિ પૂરી થતાં તરત જ 13 ઓક્ટોબરથી મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ ભાજપના હોદ્દેદારો શેરી-સોસાયટીમાં ફરીને સભ્યની નોંધણી કરશે. કમલમમાં સ્નેહમિલનના નામે ધારાસભ્ય-સાંસદોને તેડું મોકલાયું હતું. આ ઉપરાંત જૂના જોગીઓને પણ યાદ કરવામાં આવ્યા હતાં. હકીકતમાં સભ્ય નોંધણી ઝુંબેશની નિષ્ક્રિય કામગીરીને પગલે બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખે જાહેરમાં એવી ટીકા કરી કે, ભાજપનો એકેય ધારાસભ્ય સભ્ય નોંધતો હોય તેવો ફોટો હજુ સુધી જોવા મળ્યો નથી. ઘરે બેસીને નહીં, પરંતુ લોકો વચ્ચે જઈને સભ્ય નોંધણી કરો. માત્ર કાર્યકરોને મોકલીને સભ્ય નોંધણી કરવાનો કોઈ અર્થ જ નથી.
ગુજરાતમાં કોંગ્રેસ પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં જ નહીં, ભાજપના ગઢમાં ય સભ્ય નોંધણીને પ્રતિભાવ મળી શક્યો નથી. ખુદ ભાજપનો રિપોર્ટ છે કે, કેટલીય બેઠકો એવી છે જ્યાં ખૂબ જ ઓછા સભ્યો નોંધાયા છે. નબળી વિધાનસભામાં વધુ સભ્યો નોંધવા સૂચના આપવામાં આવી છે. સભ્ય નોંધણી માટે સમય વધારવા પણ નક્કી કરાયું છે. અત્યારે તો સામૂહિક સભ્ય નોંધણી કરવા આયોજન કરાયું છે, જેના ભાગરુપે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ હોદ્દેદારો શેરી- સોસાયટી, ફલેટમાં જઈને સભ્ય નોંધશે.