રિપોર્ટ@ગુજરાત: બીજેપીનો મોટો નિર્ણય, રાજકોટ અગ્નિકાંડને લઈ નેતા- કાર્યકરોને કડક સૂચના!

 
ભાજપ
BJP ને રાજ્યની 25 એ 25 બેઠકો જીતવાનો વિશ્વાસ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ અગ્નિકાંડમાં માસૂમ ભૂલકાંઓ સહિત 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પીડિત પરિવાર અને લોકોના રોષને જોતા સરકારે આ અગ્નિકાંડમાં કડક અને ઝડપી કાર્યવાહીના આદેશ આપ્યા છે. SIT, રાજકોટ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ACB અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.દરમિયાન, રાજકોટ અગ્નિકાંડને લઈ પ્રદેશ ભાજપે મોટો નિર્ણય કર્યો છે. રાજકોટ અગ્નિકાંડને લઈને પ્રથમ વખત પ્રદેશ એટલે કે ગુજરાત ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે.

ગુજરાત ભાજપે 4 જૂને આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યભરમાં ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડને લઈ ફટાકડાં, ફૂલોની હાર તોલા, મીઠાઈ સહિતની ઉજવણી ન કરવા રાજ્યભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપે નેતાઓ અને કાર્યકર્તાઓને વિજય સરઘસ ન કાઢવા માટે પણ સૂચના આપી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ પ્રદેશ ભાજપ દ્વારા શોક વ્યક્ત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણી માટેના પરિણામો જાહેર થશે. ગુજરાતની 25 બેઠકો માટે પરિણામોની જાહેરાત થશે. ત્યારે BJP ને રાજ્યની 25 એ 25 બેઠકો જીતવાનો વિશ્વાસ છે.