રીપોર્ટ@ગુજરાત: ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો! AAPના એકમાત્ર વિજેતા ઉમેદવાર ભાજપમાં જોડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં એક મોટો પલટો જોવા મળ્યો છે. તાલુકા પંચાયતમાં સત્તાના સમીકરણો નક્કી કરી શકે તેવી સ્થિતિમાં રહેલા આમ આદમી પાર્ટીના એકમાત્ર વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ નિર્ણય સાથે જ ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો નિશ્ચિત થઈ ગયો છે.ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે 8-8 બેઠકો હતી, બહુમતી માટે એક બેઠકની ખેંચતાણ હતી. આવા સમયે મોટી પાનેલી સીટ પરથી વિજયી બનેલા આમ આદમી પાર્ટીના ચંદુભાઈ જાદવ 'કિંગમેકર' ની ભૂમિકામાં આવી ગયા હતા.
AAP નેતા ચંદુભાઈ જાદવ જે પક્ષને સમર્થન આપે, ઉપલેટા તાલુકા પંચાયતમાં તે પક્ષની સત્તા બનવાની નક્કી હતી. અંતે ચંદુભાઈ જાદવે ભાજપનો ખેસ પહેરતા ભાજપનું સંખ્યાબળ 9 થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસ 8 બેઠકો પર જ રહી ગઈ છે. આ સાથે હવે ઉપલેટા તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીની સત્તા નિશ્ચિત છે.ચંદુભાઈ જાદવનું ભાજપમાં જોડાવું એ વાસ્તવમાં તેમની 'ઘર વાપસી' સમાન છે. અગાઉ તેઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તાલુકા ભાજપના મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.
ગત ચૂંટણી વખતે ટિકિટ ફાળવણીમાં અસંતોષ ઊભો થતાં તેઓ નારાજગીના કારણે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને મોટી પાનેલી બેઠક પરથી જીત્યા હતા. હવે તેઓ ફરી પોતાના મૂળ પક્ષમાં પરત ફર્યા છે. નોંધનીય છે કે તેમના પત્ની શારદાબેન જાદવ હાલમાં સરપંચ તરીકે કાર્યરત છે. ભાજપમાં વિધિવત જોડાયા બાદ ચંદુભાઈ જાદવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા વિકાસના સારા કામો કરવામાં આવે છે. ચંદુભાઈ વધુમાં ઉમેર્યું કે, પંચાયતમાં પણ પક્ષે સારો ટેકો આપ્યો હતો, જેના કારણે તેમણે આપમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

