રિપોર્ટ@ગુજરાત: ઉત્તરાયણ બાદ ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, આ 5 નામ સૌથી વધુ ચર્ચામાં

ભાજપ હાઈકમાન્ડ ઓબીસી નેતાની પસંદગી કરી શકે છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે. આંતરિક જૂથ વાદની વચ્ચે ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખની પસંગીને લઈને ભાજપે તૈયારી શરુ કરી દીધી છે આજથી અમિત શાહ પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે તેઓ આ અંગે ચર્ચા કરશે જે બાદ નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે શહેર અને જિલ્લા પ્રમુખની ની જાહેરાત બાદ ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.
ગુજરાત ભાજપ પ્રમુખની પસંદગી માટે નિયુક્ત થયેલા ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ પણ 16 જાન્યુઆરી સુધીમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે બાદ નવા પ્રદેશ પ્રમુની જાહેરાત થઈ શકે છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે તેવામાં હવે જાણવા મળી રહ્યુ છે કે, ભાજપ હાઈકમાન્ડ ઓબીસી નેતાની પસંદગી કરી શકે છે.મળતી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ 16 જાન્યુઆરીએ ગાંધીનગર આવશે તેવી ચર્ચા પણ છે. ત્યારે પ્રદેશ પ્રમુખ કોણ હશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે.
જેમાં હાલ 5 નામો ચર્ચામાં છે જેમાં પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુન સિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકોરમાંથી ગમે તેની પસંદગી થઈ શકે છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ટર્મ લોકસભા ચૂંટણી 2024 બાદ પૂર્ણ થઇ ગઇ છે.તેઓ હાલ કેન્દ્રીય જળમંત્રી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ભાજપનું કોકડુ અત્યારે ગુંચવાયું છે કારણ કે, ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠનનું સંતુલન જાળવી શકે એવા જ વ્યક્તિને પાર્ટી પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવે છે.
નવા પ્રદેશ અઘ્યક્ષની પસંદગી માટે ભાજપે કવાયત હાથ ધરી દીધી છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે, ગુજરાત ભાજપમાં અત્યાર સુધી મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી જ પ્રદેશ પ્રમુખ મળ્યા છે.ત્યારેઆ વખતે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.