રીપોર્ટ@ગુજરાત: ભાજપના કાર્યકરોનું કોંગ્રેસ કાર્યાલયની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન, જાણો કારણ

 
વિરોધ
"રાહુલ ગાંધી હાય હાય"ના નારા લગાવવામાં આવ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદીના માતા વિશે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી બાદ દેશભરમાં ફાટી નીકળેલી વિરોધની આગ હવે ગુજરાત સુધી પહોંચી છે. રાજ્યભરમાં ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજીને પુતળાદહન કર્યું હતું. રાજકોટમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. "રાહુલ ગાંધી હાય હાય"ના નારા લગાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસના આ કૃત્યની આકરી નિંદા કરવામાં આવી હતી.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન, રાજકારણમાંથી નિષ્ક્રિય હોવાનું મનાતા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પણ સક્રિય દેખાયા હતા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "હું ભાજપમાં જ છું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભાજપમાં જ રહેવાનો છું." તેમણે વધુમાં કહ્યું કે, "પાર્ટી જે જવાબદારી સોંપશે તે લેવા હું તૈયાર છું." જોકે, તેમણે તે જ દિવસે સામાકાંઠે યોજાયેલી ગોપાલ ઈટાલિયાની સભા મુદ્દે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.સુરતમાં પણ કોંગ્રેસના નેતાઓની ટિપ્પણીના વિરોધમાં ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા.

સુરત શહેર ભાજપના નેતાઓ અને ધારાસભ્યોની આગેવાનીમાં કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. "હાય રે કોંગ્રેસ" અને "જેણે આપી ગાળો એ નીકળી કોંગ્રેસ" જેવા સૂત્રો સાથેના પ્લેકાર્ડ દર્શાવવામાં આવ્યા હતા. આ વિરોધ દરમિયાન કોંગ્રેસનું પુતળાદહન કરીને ઉગ્ર રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.આ વિરોધ માત્ર રાજકોટ અને સુરત પૂરતો સીમિત નહોતો.દાહોદમાં પણ ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશન રોડ પર રાહુલ ગાંધીનું પુતળું સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ પ્રદર્શન યોજીને કોંગ્રેસના આ કૃત્યની ટીકા કરી હતી. આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં એક નવો ગરમાવો લાવી દીધો છે, અને આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.