રીપોર્ટ@ગુજરાત: દિવાળી પહેલા મોંઘવારીનો માર, અદાણી ગેસના ભાવમાં ફરી વધારો ઝીંકાયો

 
ભાવ વધારો
નવો ભાવ 100 રૂપિયાને પાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિવાળીના તહેવાર ટાણે જ અદાણી સીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે.એક જ દિવસમાં ગેસના ભાવમાં સીધો જ 2.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.છેલ્લે 23 ઓક્ટોબરના રોજ ચાર રૂપિયાનો વધારો કરાયો હતો. અદાણી ગેસના ભાવ પહેલી ઓગસ્ટે ચાર રૂપિયા વધ્યા હતાં.એટલે કે ત્રણ મહિનામાં સીએનજી ગેસના ભાવમાં સીધો જ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અદાણીના સીએનજી ગેસમાં એક કિલો એ 2.30 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. ગત 23 ઓક્ટોબરે સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.અદાણીએ એક જ વર્ષમાં સીએનજીના ભાવમાં સીધો જ 20 રૂપિયાનો વધારો કર્યો છે. સીએનજીમાં અધધધ ભાવ વધારાથી ગ્રાહકો પરેશાન થયાં છે. રિક્ષા ચાલકો અને ગેસ ઈંધણ વાળા વાહન માલિકોને આ ભાવ વધારો મોટી અસર કરશે. પેટ્રોલ અને ગેસના ભાવ સીધા જ સરખા થઈ જતાં લોકોમાં અનેક સવાલો ઊભા થયાં છે.સીએનજી રિક્ષા, ટેક્સી અને અન્ય વાહન ચાલકોને ઈંધણના ભાવમાં વધારાનો વધુ એક બોજ સહન કરવો પડશે. ગેસના ભાવમાં વધારો થતાં લોકલ ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ શકે છે. રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો પણ ભાડાં વધારવાની માગ કરી શકે છે.

દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોનું બજેટ પણ વધી શકે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતાં જે લોકો સીએનજી પર નિર્ભર રહે છે તેમના ખર્ચમાં પણ વધારો થશે. અદાણી ટોટલ ગેસ દ્વારા વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરાયા હતાં. જેમાં કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું જાહેર કરાયું હતું. ગત વર્ષે આ સમયમાં કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો. અદાણી ટોટલ ગેસ કંપનીના નફામાં આ વર્ષે 5.9 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત કંપનીની આવક 34 ટકા વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી છે. પીએનજીની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં તેજી દેખાઈ રહી છે.