રીપોર્ટ@ગુજરાત: વધુ એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી, 30 જુલાઈએ મતદાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર મતદાન માટે કેન્દ્રીય ચૂંટણી પંચે સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બેઠક ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી થઈ હતી. ચૂંટણી પંચની જાહેરાત સાથે જ વડોદરા શહેરમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.ચૂંટણી પંચના જાહેર કાર્યક્રમ મુજબ, 6 જુલાઈએ પેટાચૂંટણીની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 13 જુલાઈ સુધી ઉમેદવારી નોંધાવી શકશે, જ્યારે 14 જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 30 જુલાઈના રોજ મતદાન થશે અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.
માંજલપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલ સતત અનેક વખત આ બેઠક પરથી વિજેતા બન્યા હતા અને વડોદરાના પ્રભાવશાળી રાજકીય નેતા તરીકે તેમની ઓળખ હતી. તેમના નિધન બાદ આ બેઠક ખાલી થતાં હવે પેટાચૂંટણી યોજાઈ રહી છે. પેટાચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે ભાજપ સહિતના રાજકીય પક્ષો ઉમેદવારની પસંદગી અને ચૂંટણી પ્રચારની તૈયારીઓમાં વ્યસ્ત બનશે. માંજલપુર બેઠક પર ફરી એકવાર રાજકીય માહોલ ગરમાવવાની શક્યતા છે.

