રિપોર્ટ@ગુજરાત: કેન્દ્ર સરકાર દ્વારા આ 6 જિલ્લાને 'ગ્રોથ હબ' બનાવશે, CMના હસ્તે 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું લોકાર્પણ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 6 જિલ્લાઓના બનેલા 'સુરત ઈકોનોમિક રિજીયન'ના મહત્વાકાંક્ષી 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું સુરતથી લોન્ચીંગ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના 6 જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે.તેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં 3.5 ટ્રિલીયન ડોલર બનાવવાનું અને 34 લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે. હવે અમૃતકાળમાં વિકસિત ગુજરાત બનાવીને રાજ્ય સરકાર વિકાસમાં યોગદાન આપી દેશમાં અગ્રેસર રહેવા તત્પર છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.એ માટે શહેરી વિસ્તારોને સુનિયોજિત રીતે વિકસાવવાની કેન્દ્ર સરકારની આ પહેલને બિરદાવી ગુજરાતના સુરત સહિત છ જિલ્લાઓની આ યોજનામાં પસંદગી કરવા બદલ નીતિ આયોગનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યના જીડીપીમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના 36 ટકા ફાળા સામે જીડીપીમાં સુરતના મેન્યુફેકચરીંગ સેકટરનો ફાળો ૫૫ ટકા છે, આ સિદ્ધિના પાયામાં ટેક્સટાઇલ, જેમ્સ જવેલરી, ડાયમંડ, કેમિકલ એન્ડ ડાઈઝ જેવા પરંપરાગત ઉદ્યોગો રહેલા છે એમ ગૌરવપૂર્વક તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' વિઝનને અનુસરી 'વિકસિત ગુજરાત' લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું રાજ્ય સરકારનું પોતાનું આગવું વિઝન હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ધરાવતું સ્ટેટ હોવાના કારણે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાનએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે.