રિપોર્ટ@ગુજરાત: બોગસ કોલેજને લઈને ચૈતર વસાવા આવ્યા મેદાને, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કરશે ધરણા
નેતાઓ આ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડેડિયાપાડાના આપ ધારાસભ્ય અને આદિવાસી નેતા પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલ બોગલ કોલેજને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, માં કાલમ નર્સિંગ કોલેજ બોગસ છે તે નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી ત્યારે ધારાસભ્યની રજૂઆત બાદ સરકારે જાહેર કર્યું છે કે, માં કાલમના વિદ્યાર્થીઓને સરકારી ભરતીનો લાભ નહીં મળે તેમજ કાલમના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ નહીં મળે ત્યારે ચૈતર વસાવાએ માંગ કરી છે કે, આ વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ અને ફી ની લાખોની રકમ પાછી કરવામાં આવે નહીંતર તેઓ ધરણા પર બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
આ સાથે છેલ્લા 20 વર્ષથી કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે?ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા અમે ગુજરાત સરકારને અને રાજપીપળા વહીવટી તંત્રને માં કામલ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી. ત્યારબાદ GMERSના તબીબી અધિક્ષકે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી. એમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. તેમણે લેખિત જવાબમાં જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી.
વધુમાં તેમણે કહ્યુ કે, કોઈપણ પ્રકારની સરકારની પરવાનગી લીધા વગર છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને અમારો સવાલ છે કે કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે? આજે અમારી પાસે 150થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે જેઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે. આ વિદ્યાર્થીઓની ₹2,97,000 જેટલી ફીસ પણ કોલેજમાં જમા છે. છેલ્લા દસ દિવસથી અમે આ મુદ્દા પર ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે માંગ કરી રહ્યા છીએ. પરંતુ ગુજરાત સરકાર કે નર્મદા વહીવટી જિલ્લા તંત્રનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું. એટલા માટે એક દિવસ બાદ એટલે કે આ ગુરુવારે કલેકટર કચેરી ખાતે હું પોતે ધરણા પર બેસીશ.
તેમણે કહ્યુ કે, હું પોતે ધારાસભ્ય તરીકે આટલા પુરાવાઓ સાથે આટલી રજૂઆતો કરતા હોઈએ અને બીજી બાજુ કેટલાક નેતાઓ આ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. અમે આજે કલેકટર અને ડીડીઓને મળવા જઈશું અને સવાલ પૂછીશું કે શા માટે આટલા દિવસો સુધી આ કોલેજ પર કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નથી થતી અને વિદ્યાર્થીઓને તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ અને લાખોને ફીસ પાછી નથી મળતી તો અમે ધરણા પર બેસીશું.