રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, શંકાસ્પદ કેસોનો આંકડો 225ને પાર, 25નાં મોત

 
ચાંદીપુરા
મહીસાગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિકોમાં ફાફડાટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર હાઇ એલર્ટ પર મુકાયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 225 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ શંકાસ્પદ સેમ્પલ્સમાંથી અત્યાર સુધીમાં 39 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. અત્યંત ચિંતાજનક બાબત એ છે કે આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 25 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ 13 શંકાસ્પદ નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવવાના બાકી છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. મહીસાગરના કડાણા તાલુકાના આકલીયા ગામના હિરલ ડામોર નામના 7 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હતો.બાળકીની તબિયત લથડતા તેને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન આ 7 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં આ વાયરસના કારણે પ્રથમ મોત થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ તથા સેનિટાઇઝેશનની કામગીરી તીવ્ર બનાવી દેવામાં આવી છે.