રીપોર્ટ@ગુજરાત: ચૂંટણીમાં કારમી હારથી ચાવડા-ધાનાણીનું રાજીનામું, કોંગ્રેસ હવે હાર્દિકના ભરોસે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે મત ગણતરીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક ચૂંટણીઓમાં ઠેર-ઠેર કારમી હારથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાએ રાજીનામું ધરી દીધુ છે. આ તરફ એવી પણ વાત ચર્ચાઇ રહી છે કે, હાઇ કમાન્ડે પણ વિલંબ કર્યા વિના બંનેના રાજીનામા સ્વિકાર કરી લીધા છે. જોકે હજી સુધી આ મામલે કોઇ સત્તાવાર વિગતો સામે આવી નથી. જેને લઇ હવે ગુજરાત કોંગ્રેસ હાર્દીક પટેલના ભરોસે મુકાતાં આગામી દિવસોએ હાર્દિક સંગઠનની જવાબદારી સંભાળી શકે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યમાં જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં કારમો પરાજય થતાં અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું છે. જેને લઇ હવે રાજકીય ચર્ચાઓ મુજબ મહિનાના અંત સુધીમાં નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થશે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે.