રીપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.644.72 કરોડના વિકાસકામોની ભેટ આપી

 
ભુપેન્દ્ર પટેલ
ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને રૂ. 644.72 કરોડના વિકાસ કામોની ભેટ આપીને કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના 2001 પહેલા અને તે પછીના એમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આલેખી હતી. આ પરિપ્રેક્ષ્‍યમાં તેમણે જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદીના ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે સ્પષ્ટ જોઇ શકાય છે.

રાજ્યનો કોઇ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનના દિશાનિર્દેશમાં કરાયું છે. ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સિમાચિન્હો સ્થાપિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી રૂ. 644.72 કરોડના વિવિધ 85 જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ ગોધરામાં રૂ. 5.05 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સ્પો 2025 અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પહેલા આખા વર્ષના જિલ્લાના વિકાસ કામોના બજેટ જેટલી રકમના વિકાસ કામો આજે એક જ દિવસમાં લોકોને આપવામાં આવી રહયાં છે. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી, માર્ગો, વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનએ કંડારેલી વિકાસની કેડી ઉપર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધીના પૂર્વ વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજનાએ આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા છે તેમ જણાવતાં તેમણ આદિવાસી વિસ્તારોના દૂર દરાજના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં 100 બેડની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જેનાથી ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે.