રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો રસ્તા વચ્ચે અટકાવી ખેડૂતો સાથે સીધી વાતચીત કરી

 
મુખ્યમંત્રી
ખેડૂતો સાથે ભાવનાત્મક રીતે જોડાઈને તેમના પ્રશ્નો અને મુદ્દાઓને સાંભળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ હાઇવે પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો સત્તાવાર કાફલો અચાનક અટકાવી દીધો હતો. મુખ્યમંત્રીનો કાફલો હીરાસર એરપોર્ટ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તાની બાજુમાં ઉભેલા ખેડૂતોના સમૂહને મળવા માટે તેઓ સ્વયં તેમની પાસે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ સત્તાવાર કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન, હીરાસર એરપોર્ટ નજીક મોટી સંખ્યામાં ખેડૂતો ઉભા હતા. મુખ્યમંત્રીની નજર ખેડૂતોના આ સમૂહ પર પડતાં, તેમણે તુરંત જ સુરક્ષા પ્રોટોકોલની પરવાહ કર્યા વિના પોતાનો કાફલો અટકાવવાનો આદેશ આપ્યો હતો.

કાફલો અચાનક ઉભો રહેતા સુરક્ષામાં તૈનાત પોલીસ અને સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી.મુખ્યમંત્રી પટેલે પોતાના વાહનમાંથી નીચે ઉતરીને રસ્તા પર ઉભેલા ખેડૂતો અને લોકોનું હસીને અભિવાદન જીલ્યું હતું. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. મુખ્યમંત્રીએ લોકો સાથે સંવાદ સાધીને તેમની લાગણીઓને માન આપ્યું હતું. લોકો પણ અચાનક મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને આનંદ અને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા.મુખ્યમંત્રી દ્વારા પ્રોટોકોલ તોડીને સામાન્ય નાગરિકોને મળવાના આ પગલાને લોકોએ સરાહનીય ગણાવ્યું હતું.