ગંભીર@હારીજ: શાળાના ભોજનમાં જીવડાં, રજૂઆત કરતાં યુવાનો ઉપર ગાળો ભાંડવા લાગ્યા વૃધ્ધ

મહિલાની હાજરીમાં કાન ફાડી નાખશે તેવી ગાળો યુવાનોને બોલતાં ચકચાર મચી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
હારિજ તાલુકાના ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી પરંતુ ઘટના જે ગંભીર સમસ્યાને કારણે બની તે જાણવું અગત્યનું છે. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સરકારી ભોજન એટલે કે મધ્યાહ્ન ભોજન મળે છે આ ભોજનમાં ભયંકર બેદરકારી છતી થઇ છે. મધ્યાહ્ન ભોજનના કરીયાણાની વસ્તુઓ હલકી ગુણવત્તાની હોઈ શકે અથવા ભોજન બનાવનારની ભયંકર ભૂલ હોઈ શકે છે. હકીકતમાં છેલ્લા કેટલાય સમયથી બાળકોના ભોજનમાં જીવડાં, વાળ અને ધનેરા આવતાં વાલીઓ રજૂઆત કરવા ગયા ત્યારે સમાધાનને બદલે બેફામ ગાળો સાંભળવી પડી તેવી નોબત બની હતી. યુવાનોએ માત્ર ભોજનમાં જીવડાંને બાબતે ધ્યાને દોર્યું તો જીવડાં સાઈડમાં રહ્યા અને એક કાકાએ મહિલાઓની હાજરીમાં ભયંકર ગાળો ભાંડી હતી. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ જિલ્લાના હારિજ તાલુકાની ખાખડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અધિકારીઓને દયા હોય તો નીચા જોવું પડે તેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાની નહિ પરંતુ ગંભીર બેદરકારી અને નિષ્કાળજીનો નમૂનો છતાં સમાધાનને બદલે દાદાગીરી અને ગાળોનો જાણે વરસાદ થયો હતો. બાળકોનું દુઃખ જાણી વાલીઓ ખાખડી પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનમાં જીવડાં અને વાળ દૂર કરાવવા એક થયા પરંતુ ગામના એક વૃધ્ધની જોહુકમી અને દાદાગીરી ધોળાં દિવસે જોઈ હચમચી ગયા હતા. મધ્યાહ્ન ભોજનમાં જીવડાં અને વાળ કોઈપણ સંજોગોમાં ચાલે નહિ એટલે તાત્કાલિક અસરથી સમસ્યા દૂર થવાની વાત સાઈડમાં રહી અને એક વૃધ્ધ જાહેરમાં અને એમાં પણ મહિલાની હાજરીમાં કાન ફાડી નાખશે તેવી ગાળો યુવાનોને બોલતાં ચકચાર મચી ગઇ છે.
ખાખડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજનમાં જીવડાં કે વાળ બાબતની સમસ્યા દૂર કરવાની ફરજ સંચાલક અને આચાર્યની છે ત્યારે યુવાનો અને વૃધ્ધજન વચ્ચે મામલો એક ગરમાઈ ગયો ? સૌથી મોટો સવાલ થાય કે, ગામલોકો વચ્ચે ખોટો વિખવાદ ના થાય એ માટે મધ્યાહ્ન ભોજનમાં સ્વચ્છતા અને આરોગ્યની ખાત્રી કરવા આચાર્યે શું કર્યું? ખુદ બાળકો મધ્યાહ્ન ભોજનમાં સ્વચ્છતા નથી તેવી બૂમરાણ કરે છે ત્યારે જો કોઈ બાળકનું આરોગ્ય જોખમાય તો આચાર્યની જવાબદારી નહિ બને ? ગામના જાગૃત યુવાનોએ બાળકોના મધ્યાહ્ન ભોજનમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા હવે વડી કચેરીએ જવાની તૈયારીમાં લાગ્યા છે.