રીપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદાના નવા નીરના વધામણા કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ફરી એકવાર તેની ઐતિહાસિક મહત્તમ સપાટીએ છલકાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતા આજે ચોમાસામાં પહેલીવાર ડેમની જળ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છવાયો છે.નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા, રાજ્યના મુખ્યમંત્રી સહિતના નેતાઓ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દૂધ, ચૂંદડી અને નારિયેળ નર્મદાના નીરમાં અર્પણ કરીને નર્મદા નીરના ભવ્ય વધામણા કર્યા હતા.
નર્મદાના નીરના વધામણા બાદ ડેમના જળસ્તરને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક 5 ગેટ ખોલવામાં આવ્યા અને ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. હાલની 138.68 મીટરની સપાટી પર ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર જેટલી છે.નર્મદા ડેમની સિંચાઈ અને પીવાના પાણીની યોજનાઓ થકી ગુજરાતના 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગર પાલિકાઓ મળીને રાજ્યની આશરે 4 કરોડની પ્રજાને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમ વર્ષ 2017 બાદ અત્યાર સુધીમાં કુલ 6 વખત તેની મહત્તમ સપાટીએ ભરાયો છે, જેમાં વર્ષ 2019, 2020, 2022, 2023 અને 2024નો સમાવેશ થાય છે.આ વર્ષે નર્મદા બંધના ઓવરફ્લો દરમિયાન એક નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. રાજ્યની 10 નદીઓ જેવી કે પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ નદીઓમાં પાણી વહેવડાવીને તેમને પુનર્જીવિત કરવામાં આવી છે. જળ સંગ્રહની સાથે સાથે વીજળી ઉત્પાદનમાં પણ નર્મદા યોજનાએ વિક્રમ સર્જ્યો છે. ચાલુ ચોમાસામાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ 302 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.