રીપોર્ટ@ગુજરાત: મધ્યમવર્ગીય જનતાની મિલકત માટે મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય કર્યો છે. સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડ્યુટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.