રિપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે હાઈકોર્ટ પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી,ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે,યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ન્યાયપાલિકાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સમય અનુરૂપ ભવનો અને ટેકનોલોજીથી સુસજ્જ રાખવાની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની નેમ છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત હાઇકોર્ટ ખાતે આજે રૂપિયા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઇમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.
વધુમાં જણાવ્યું કે રાજ્યના દરેક તાલુકા મથકે પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ કાર્યરત કરીને આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની મુહિમને સાકાર કરવાની દિશામાં કામગીરી કરી છે. સુશાસન અને લોકતંત્રમાં ગુડ ગવર્નન્સની જરૂરિયાત વિશે જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભા એ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે.