રીપોર્ટ@ગુજરાત: CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગુરુવારે પૂરગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાનો અને તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરવાનો છે.
મુખ્યપ્રધાનની મુલાકાત દરમિયાન, તેઓ સતત વરસાદની સ્થિતિ પર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા મોનીટરીંગની પણ સમીક્ષા કરશે. તેમણે તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓના સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને તેમના સંબંધિત વિસ્તારોની મુલાકાત લેવા અને જ્યાં પાણીનો ભરાવો થયો છે, ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરી તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે. કોઈ પણ પ્રકારની તાત્કાલિક જરૂરિયાતો પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે, તેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશેવર્તમાન વરસાદી માહોલ અને ખાસ કરીને સુરત તથા દક્ષિણ ગુજરાતના પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનું રૂબરૂ મૂલ્યાંકન કરવા મુખ્યપ્રધાનની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે.
ગુજરાતના વરસાદી વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા પણ મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. આના પરથી રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ આ પરિસ્થિતિ પર નજર રાખી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સતત સૂચનાઓ આપી રહ્યા છે કે વરસાદમાં કોઈ પણ પ્રકારની હોનારત ન થાય અને તંત્ર દ્વારા ક્યાંય પણ બેદરકારી ન રહે. તેમની આવતીકાલની રૂબરૂ મુલાકાત આ સૂચનાઓના પાલનની ચકાસણી અને ભવિષ્યની રણનીતિ ઘડવામાં મદદરૂપ થશે.સહાયની જાહેરાત અંગેના પ્રશ્ન પર, હાલ વરસાદની શરૂઆત હોવાથી તરત જ કોઈ અલગથી સહાયની જાહેરાત કરવી મુશ્કેલ છે. જોકે, નુકસાની કયા સ્તરે થઈ છે અને કેવી પરિસ્થિતિ છે, તેનો ચોક્કસ તાગ મેળવવામાં આવશે.
મુખ્યપ્રધાન સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા કરશે અને બેઠકો પણ યોજવામાં આવશે. અચાનક થયેલા વરસાદને કારણે વલસાડ અને સુરતમાં જોવા મળેલા નુકસાનીના દ્રશ્યો. જેવા કે રોડ-રસ્તા ધોવાઈ જવા અને માનવ મૃત્યુના બનાવોને ધ્યાનમાં રાખીને, મુખ્યપ્રધાન સ્થાનિક પ્રશાસન, મંત્રીઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરશે.

