રિપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના પોડિયમમાં લીધી પ્રતિજ્ઞા, જાણો વિગતે

સંગીત અને કલા જેવી વિવિધ સાંસ્કૃતિક ઘટનાઓનું આયોજન પણ થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી સમગ્ર ગુજરાતમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના 14મા મુખ્યમંત્રી બન્યા અને 2024 સુધીની આ 23 વર્ષની વિકાસયાત્રાને માન આપવા માટે આ સપ્તાહનું આયોજન થયું છે. આ અવસરને વધુ વિશિષ્ટ બનાવતા, વિધાનસભાના પોડિયમમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી.આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનવાની સફરને યાદ કરતાં આ 23 વર્ષની વિકાસની અવિરત ગાથાને આગળ વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
રાજ્યના સતત વિકાસ માટે તમામ મંત્રીઓએ પ્રતિજ્ઞા લીધી અને ભવિષ્યમાં રાજ્યને વધુ પ્રગતિશીલ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અનેક વિસ્તૃત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 3500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.23 આઇકોનિક સ્થળો, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, પાવાગઢ અને અન્ય મહત્વના સ્થળોએ પદયાત્રા યોજાશે. જેમાં નાગરિકો અને સ્થાનિક લોકોએ ભાગ લેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે વિધાનસભામાં યોજાયેલા આ કાર્યક્રમમાં, ગુજરાતના બહુમુખી વિકાસના યોગદાનને ઉજાગર કરવાની સાથે પ્રતિજ્ઞા લીધી કે નરેન્દ્ર મોદી દ્વારા 23 વર્ષ પહેલા શરૂ કરાયેલી વિકાસની ગાથા વધુ વિસ્તારવી.વિકાસ સપ્તાહની ઉજવણીનો ભાગ બનતા, સરકારી શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. સામાજિક માધ્યમો પર પણ વિકાસસપ્તાહ હેશટેગ સાથે નાગરિકોના અનુભવો શેર કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વિકાસ સપ્તાહ દરમિયાન સંગીત અને કલા જેવી વિવિધ સાંસ્કૃતિક ઘટનાઓનું આયોજન પણ થશે, જે સમગ્ર રાજ્યમાં ઉલ્લાસપૂર્વક ઉજવાશે.