રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે

 
સીએમ
રાજ્યના 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડવાનું કાર્ય પૂર્ણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અન્નદાતાઓ એટલે કે ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા 'પીએમ કિસાન સન્માન નિધિ' અર્પણ સમારોહ દરમિયાન તેમણે ખાતરી આપી હતી કે, માર્ચ 2026 પહેલા રાજ્યના તમામે તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે. સીએમ પટેલે માહિતી આપી હતી કે હાલમાં રાજ્યના 98% ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અને બાકી રહેલા જૂજ વિસ્તારોમાં પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ગાંધીનગરમાં આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની ખેડૂતલક્ષી નીતિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે ઉજાગરા કરવા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. આ દિશામાં રાજ્ય સરકારે મોટી સફળતા મેળવી છે. મુખ્યમંત્રીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું કે હજુ પણ રાજ્યના અમુક અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી મળવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે, તેમણે આશ્વસ્ત કર્યા હતા કે આ સમસ્યા હવે લાંબો સમય રહેશે નહીં. જે થોડા વિસ્તારોમાં કામગીરી બાકી છે અથવા ચાલી રહી છે. તે આગામી વર્ષના માર્ચ મહિના પહેલા એટલે કે માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે પૂરી કરી દેવામાં આવશે.

ત્યારબાદ રાજ્યનો એક પણ ખેડૂત દિવસે વીજળીના લાભથી વંચિત રહેશે નહીં.રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉદ્દેશ્યથી ગુજરાતના કૃષિમંત્રી શ્રી જીતુ વાઘાણીએ એક મહત્ત્વની જાહેરાત કરી છે. કિસાન સન્માન નિધિના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતને એસએમએસ મળ્યા બાદની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.આ જાહેરાત મુજબ, ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોને જે  SMS મળે છે, તે મળ્યાના ૭ દિવસ સુધી મગફળી વેચવાની જે સમય મર્યાદા અગાઉ હતી, તે વધારીને હવે ૧૫ દિવસ કરવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે.