રિપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય, 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ થશે
રાજ્ય સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકો માટે 'વાંચે ગુજરાત' અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ દિશામાં આગળ વધતા, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં રાજ્યના 21 જિલ્લાના 50 તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
6 સપ્ટેમ્બરે દર વર્ષે 'નેશનલ રીડ અ બુક ડે' એટલે કે 'રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકો વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તેને લઈ તેમને પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકોમાં પણ વાંચન પ્રત્યે રસ ઉભો થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તે ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
રાજ્યની સ્થાપનાથી લઈને આજ દિન સુધીમાં એક સાથે એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથાલયને મંજૂરી આપવાનો આ ઐતિહાસિક નિર્ણય છે. સામયિકો, આલેખો, પુસ્તકો અને સચિત્ર શિક્ષણના સાધનો દ્વારા લોકોમાં વાંચનને લઈને રસ ઉભો થાય અને જ્ઞાનનો પ્રચાર થાય તે ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં જાહેર ગ્રંથાલયની સ્થાપના અને વિકાસ થાય તે માટે જાહેર ગ્રંથાલય માટેની માન્યતા તથા સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ પણ નક્કી કરવામાં આવી છે. ગ્રંથાલયોને પહેલા જે 25 ટકા લોકફાળો ભરવો પડતો હતો, તેમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. આ સિવાય ગ્રંથાલયોના પ્રકાર, જેમકે વિશિષ્ટ ગ્રંથાલય, શહેર ગ્રંથાલય, મહિલા અને બાળ ગ્રંથાલયો અને ગ્રામ ગ્રંથાલયો વગેરેના આધારે અનુદાનના દરમાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.