રીપોર્ટ@ગુજરાત: ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલનો તાત્કાલીક નિર્ણય, માત્ર 3 દિવસમાં નુકસાનનો સર્વે થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજ્યના તમામ જિલ્લા તંત્રોને સ્પષ્ટ સૂચના આપી છે કે, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસની અંદર પૂર્ણ કરવો જરૂરી છે.CM એ જણાવ્યું કે સર્વે પૂર્ણ થયા બાદ તરત જ અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક સહાયની પ્રક્રિયા ઝડપથી શરૂ કરી શકાય.
સરકારનો ઉદેશ છે કે, પ્રભાવિત ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે રાહત મળી રહે.રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જિલ્લા તંત્રો પહેલેથી જ મેદાનમાં ઉતરી ગયા છે અને સર્વેનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે. અહેવાલના આધારે સહાયની રકમ નક્કી કરી ખેડૂતો સુધી સીધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ મંત્રીઓને નવા પ્રભારી જિલ્લાઓની ફાળવણી પણ કરવામાં આવી છે. વડોદરા અને ગાંધીનગર જિલ્લાની જવાબદારી હવે હર્ષ સંઘવીને સોંપાઈ છે, જ્યારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સુરત અને નવસારી જિલ્લાઓના પ્રભારી બન્યા છે.

