રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલનો જમીન ધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતવાર

 
સીએમ

રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ડી-1 કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ડી-2 કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ, જામનગર શહેરી વિકાસ સત્તામંડળ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી.એરીયામાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી-1 અને ડી-2 કેટેગરીના 8 શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું. તેમાંથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

આના પરિણામે કબ્જેદારને અંતિમ ખંડ તરીકે 60 ટકા અને સંબંધિત સત્તામંડળને 40 ટકા જમીન કપાત પેટે સંપ્રાપ્ત થાય છે. આવા કિસ્સાઓમાં કબ્જેદાર પાસે બાકી રહેતી 60 ટકા જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવું જોઈએ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને મળેલી આ વિવિધ રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ડી-૧ અને ડી-2 કેટેગરીના તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળોમાં જ્યાં ટી.પી. લાગુ થઈ નથી તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી 60 ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બીન ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.