રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યની નવી 'ડેટા સેન્ટર પોલિસી' કરી લોન્ચ, જાણો વધુ
નવી ટેકનોલોજી અને ઈનોવેશન ગુજરાતનું બેકબોન બનશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યની નવી 'ડેટા સેન્ટર પોલિસી' સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાયન્સ એન્ડ ટેકનોલોજી હવે માત્ર લેબ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે આજના યુગમાં દેશ અને રાજ્યના આર્થિક વિકાસનો મુખ્ય આધાર બની ગઈ છે.
મુખ્યમંત્રીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસનો રોડમેપ રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાતના સાણંદ અને ધોલેરા આગામી દિવસોમાં દેશની 'સેમિકન્ડક્ટર કેપિટલ' બનવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિજિટલ ભારતના વિઝનને ગુજરાત હકીકતમાં ફેરવી રહ્યું છે અને દેશની ડિજિટલ ઈકોનોમીને મજબૂત બનાવવામાં ગુજરાત એક મહત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે.નવી નીતિ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય બજેટમાં ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેને અનુરૂપ ગુજરાતની આ નીતિ ક્લાઉડ સર્વિસ, એઆઈ અને ડિજિટલ સેવાઓને વધુ સક્ષમ બનાવશે.
વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત હવે ડેટા સેન્ટર સ્થાપવા માટે 'બેસ્ટ ચોઈસ' અને સર્વશ્રેષ્ઠ ડેસ્ટિનેશન બનશે. ઇમર્જિંગ સેક્ટરને આ પોલિસીથી નવી ઉર્જા મળશે.ભારત આજે વૈશ્વિક સ્તરે ડેટા ઉત્પાદનમાં નંબર વન દેશ બન્યો છે ત્યારે ડેટા જ વિકાસની પાયાની બાબત છે. મુખ્યમંત્રીએ તમામ સ્ટેકહોલ્ડર્સ અને કંપનીઓને ગુજરાતની આ 'ગ્રોથ સ્ટોરી' નો હિસ્સો બનવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવી ટેકનોલોજી અને ઈનોવેશન આગામી સમયમાં ગુજરાતના વિકાસની કરોડરજ્જુ એટલે કે 'બેકબોન' સાબિત થશે અને આ પોલિસી દેશના ભવિષ્યના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે.

