રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરતની મુલાકાતે, 410 કરોડના વિકાસકામોની ભેટ આપશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કુલ 410 કરોડ રૂપિયાના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ કાર્યક્રમોમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે.સવારે 9.50 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોસમાડા ખાતે આવેલા ઇસ્કોન મંદિરના શિલાન્યાસ અને સત્કાર સમારોહમાં હાજરી આપશે.ત્યારબાદ સવારે 11.00 વાગ્યે તેઓ સીટી લાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વડાપ્રધાનના 'મન કી બાત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સુરતવાસીઓ સાથે આ કાર્યક્રમ નિહાળશે.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અડાજણ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં હાજરી આપશે. આ તબક્કે તેઓ 410 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાતના ભાગરૂપે કતારગામ સ્થિત રત્નમાલા બ્રિજનો બીજી તરફનો એપ્રોચ પણ વાહનવ્યવહાર માટે વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે, જેનાથી સ્થાનિક વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

