રીપોર્ટ@ગુજરાત: બિસ્માર રસ્તા મુદ્દે CMએ યોજી બેઠક, કહ્યું 'પૈસાની કમી નથી પણ કામો ટકાઉ થવા જોઈએ'

 
સીએમ
રજાનો દિવસ હોય તો પણ રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

CMએ આજે બિસ્માર રસ્તાઓ મુદ્દે ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક યોજી હતી. જેમાં તેમણે ટકોર કરીને કહ્યું કે, પૈસાની કમી નથી પણ કામો ટકાઉ થવા જોઈએ. લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે.વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.

તેમણે આ બેઠકમાં જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં આપ્યા હતા.તેમણે કહ્યું કે, જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવી પણ તાકીદ કરી હતી કે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ એમણે સૂચવ્યુ હતું.તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ.