રિપોર્ટ@ગુજરાત: અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓને લઈને CMનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 'આપણા દેશમાં આનંદ સામે કોઈ પૈસાની તુલના ન હોય.'વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે, 'વિદેશ મંત્રાલય આ સમગ્ર ડિપોર્ટેશન પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે' તાજેતરમાં અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીયોને દેશનિકાલ આપવામાં આવ્યો હતો, જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.આ તમામ લોકોને લશ્કરી વિમાન દ્વારા અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે લાવવામાં આવ્યા હતા.
આ લોકો ડંકી રુટ મારફતે અમેરિકા પહોંચ્યા હતા. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર અને 79 પુરુષો સામેલ હતા. અમેરિકાથી પરત ફરેલા ભારતીય નાગરિકોમાં સૌથી વધુ સંખ્યા પંજાબ અને ગુજરાતની હતી. વિશેષમાં, 33 ગુજરાતીઓમાં મોટાભાગના મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના છે. આ સિવાય 30 પંજાબ, 3 મહારાષ્ટ્ર, 2-2 ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના નાગરિકો પણ પરત ફર્યા છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમાં યોજાયેલા એક શાળાના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “આપણું અંતિમ ગંતવ્ય પોતાનું ઘર અને દેશ છે. વિદેશમાં ભલે લોકો કામધંધા માટે જાય, પણ ગામ-ઘરની મજા બીજે ક્યાંય નથી. આજના સમયમાં ગામોમાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.”અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે 487 વધુ ગેરકાયદે વસતા ભારતીયોની ઓળખ કરી છે, જે ટૂંક સમયમાં પરત મોકલાઈ શકે છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રાએ જણાવ્યું કે, “વિદેશ મંત્રાલય આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે. ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે યોગ્ય વ્યવહાર થાય તે સુનિશ્ચિત કરાશે.”