ઘટના@ધોળકા: પ્રતિષ્ઠિત 'હરિ જવેલર્સ'ના માલિકો કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રાતોરાત ગાયબ

 
કાર્યવાહી
રોકાણકારો આ બનાવને લઈને ચિંતામાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી પ્રખ્યાત ગણાતા 'હરિ જવેલર્સ'ના માલિકોએ રોકાણકારોને છેતરી રાતોરાત ગાયબ થઇ જવાની ઘટના સામે આવી છે. ભવ્ય શો-રૂમ અને કિંમતી કાર દર્શાવીને લોકોનો વિશ્વાસ જીતનાર સોની પિતા-પુત્રોએ છેતરપિંડી કરીને લાખો રૂપિયાની રકમ હરણ કરી.FIRમાં ફરિયાદ મુજબ, આ છેતરપિંડીની રકમ રૂ. 6.04 કરોડ સુધી પહોંચી છે, જ્યારે સ્થાનિકો વચ્ચે 300થી 400 કરોડનું ફૂલેકું હોવાનું ચર્ચા છે.

ધોળકામાં સોની પિતા-પુત્રોએ ચાંદીમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકાર મોહમ્મદ સજ્જાદ પઠાણ સાથે કરોડોની છેતરપિંડી કરી. આશરે 3 કરોડના ભવ્ય શો-રૂમ અને કિંમતી ગાડીઓ દર્શાવી લોકોમાં વિશ્વાસ ઉભો કરનાર ઘનશ્યામ સોની અને તેના પુત્રોએ ફરિયાદીને નફાની લાલચ આપી ચાંદીમાં રોકાણ કરાવ્યું. ત્યારબાદ નિયમિત વાયદા આપવામાં આવતા છતાં ચુકવણી ન થવા પર તેઓ રાતોરાત ફરાર થઈ ગયા. ફરિયાદી મોહમ્મદ સજ્જાદ પઠાણ પાસેથી FIR મુજબ 97 કિલો ચાંદી (રૂ. 81.85 લાખ) પડાવ્યા બાદ આરોપીઓએ વાયદા મુજબ ડિલિવરી ન આપી. જ્યારે રોકાણકારોએ રકમ માંગતા, 20 ઓક્ટોબરના રોજ જાણવા મળ્યું કે સોની પરિવાર શો-રૂમ અને ઘરે તાળા મારી રાતોરાત ફરાર થઈ ચૂક્યા છે.

ફરિયાદી સિવાય અનેક અન્ય લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.ધોળકા ટાઉન પોલીસ દ્વારા આરોપી ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની અને તેના પુત્રો યશ સોની, દીપ સોની વિરુદ્ધ BNSની કલમ 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધાયો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસની ધમધમાટ શરૂ કરી દેવામાં આવી છે અને તમામ સંબંધિત વિગતો ભેગી કરી રહી છે.સ્થાનિક લોકો અને રોકાણકારો આ બનાવને લઈને ચિંતામાં છે.