રિપોર્ટ@ગુજરાત: જંત્રી વધારાને "જનતાના માથે બોજ" ગણાવતાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહારો
મનરેગામાં એક જ ગામમાં 17 આંતરિક રસ્તા મંજૂર થયા છે, પણ કોઈ કામ થયું નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારના એકતરફી જંત્રી વધારાને "જનતાના માથે બોજ" ગણાવતાં આકરો વિરોધ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારની આ પગલાંથી મકાન, દુકાન અને જમીનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થશે. આ ઉપરાંત, રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ વધારો થશે.ચાવડાએ ઉલ્લેખ કર્યો કે આ પ્રકારના નિર્ણયથી બાંધકામ ઉદ્યોગના અનેક પ્રોજેક્ટ રદ કરવા પડશે, જે અર્થતંત્ર અને રોજગારી માટે નુકસાનકારક છે. તેમણે કહ્યું કે આ વધારો ફક્ત સરકારની તિજોરી ભરવા માટે કરવામાં આવ્યો છે.
દાહોદના દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. ચાવડાએ જણાવ્યું કે, મનરેગામાં એક જ ગામમાં 17 આંતરિક રસ્તા મંજૂર થયા છે, પણ કોઈ કામ થયું નથી. અન્ય ગામોમાં 33 રસ્તાઓમાં પણ ભ્રષ્ટાચાર થયો છે.તેમણે આરોપ મૂક્યો કે ભ્રષ્ટાચાર કરનાર ત્રણ એજન્સીઓ મંત્રીના પરિવારના માલિકત્વમાં છે અને આ એજન્સીઓએ કામ કર્યા વગર રકમ ઉપાડી છે. ચાવડાએ માંગણી કરી કે આ ભ્રષ્ટાચારની તપાસ માટે વીજિલન્સ અથવા SIT ની રચના કરવી જોઈએ.
ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરવામાં આવી નથી. 17 તાલુકા પંચાયત સહિત ત્રીજા ભાગના રાજ્યમાં વહીવટ સરકારના અધિકારીઓ ચલાવે છે. તેમણે OBC અનામત મુદ્દે જણાવ્યું કે ઝવેરી કમિશનના રિપોર્ટને જાહેર ન કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય સમૂહના હિતને અવગણવા જેવું છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારના રાજકીય એજન્ડા હેઠળ 27% અનામત મુદ્દે અન્યાય થયો છે. અમિત ચાવડાએ આ મુદ્દાઓ પર સરકારની તિજોરી ભરવા માટે પ્રજાના હિત સાથે સમજૂતી કરાઈ છે તેમ જણાવી, તમામ નિર્ણયો પર પુનર્વિચાર કરવાની માંગણી કરી છે.